Saturday, January 12, 2013

શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને પંચાયતી રાજ સંસ્થા (PRI)ના સભ્યોની તાલીમ

શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)અને પંચાયતી રાજ સંસ્થા (PRI)ના સભ્યોની તાલીમ તા. 07/01/2013 થી તા. 08/01/2013 માન. જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડિનેટરશ્રીની કચેરી, સર્વ શિક્ષા અભિયાન, અમરેલી ના તા. 02/01/2013 ના પરિપત્ર ક્રમાંક SSA/Com-Mobi/13/5839 અન્વયે, બગસરા બ્લોક રિસોર્સ કો.ઓર્ડિનેટર સાહેબશ્રી તરફથી મળેલ સૂચનાના અનુસંધાને આજ રોજ અત્રેની કન્યાશાળા – બગસરા, તા. બગસરા જિ. અમરેલી ખાતે શાળા વ્યવસ્થાપન સમિતિ અને પંચાયતી રાજ સંસ્થાના સભ્યોની બે દિવસીય નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નીચે મુજબના SMC સભ્યો તાલીમ મેળવવા માટે હાજર રહ્યાં હતાં. ક્રમ તાલિમાર્થીનું નામ SMC માં હોદ્દો સંવર્ગ 1 શ્રી મીનાબેન એ. અભાણી અધ્યક્ષ વાલી 2 અલ્પેશભાઇ એચ. પરમાર ઉપાધ્યક્ષ વાલી 3 ઘુસાભાઇ ગોંડલિયા સભ્ય વાલી 4 વહિદાબેન એફ. ખીમાવત સભ્ય વાલી 5 કિરણભાઇ આર. ખીરૈયા સભ્ય વાલી 6 હિમાંશુભાઇ જે. છાટબાર સભ્ય સચિવ આચાર્ય 7 ગીરીશભાઇ જી. સતાસિયા - તજજ્ઞ તાલીમનો પ્રથમ દિન તા. 07/01/2013 (દિવસનું સેશન) તાલીમના પ્રથમ દિવસે તમામ તાલીમાર્થીઓ તથા તજજ્ઞશ્રી ગીરીશભાઇ જી. સતાસીયાનું સવારે 10/45 કલાક થી 11/00 કલાક દરમિયાન શાળામાં આગમન થયું હતું. ત્યારબાદ તમામ SMC ના તાલીમાર્થી સભ્યો તથા તજજ્ઞશ્રીએ શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો. તજજ્ઞશ્રીએ તમામ તાલીમાર્થીઓને શાળાના પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતવાર સમજૂતિ આપી હતી. પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન SMCના ઉપાધ્યક્ષ અને તાલીમાર્થી શ્રી અલ્પેશભાઇ એચ. પરમારે વિદ્યાર્થીનીનું ઉદ્બોધન કર્યું હતું. ત્યારબાદ SMCના અધ્યક્ષ શ્રીમતી મીનાબેન અભાણીએ પણ વિદ્યાર્થીઓ સાથે સરસ વાતચીત કરી હતી. જે ઉપરોક્ત તસ્વીરો દ્વારા જાણી શકાય છે. ત્યારબાદ 11/20 કલાકે તમામ તાલીમાર્થીઓને શાળાના મધ્યાહ્ન ભોજનના રસોડાની મૂલાકાત લેવરાવવામાં આવી હતી. જે દરમિયાન તમામ તાલીમાર્થીઓએ રસોડાની કામગીરીનો અભ્યાસ કર્યો હતો. મધ્યાહ્ન ભોજનના સંચાલક કમ કૂક શ્રી પ્રેમજીભાઇ રાબડીયાએ તથા તજજ્ઞશ્રી ગીરીશભાઇ સતાસીયાએ તમામ તાલીમાર્થીઓને મધ્યાહ્ન ભોજનના મેનુ વિશે માહિતી આપી હતી, તેમજ રસોડામાં વપરાતા અનાજ તથા અન્ય ખાદ્ય પદાર્થોનો પણ ટેસ્ટ કરાવ્યો હતો ઉપરાંત મધ્યાહ્ન ભોજનના રસોડામાં કામ કરતાં અન્ય કર્મચારીઓનો પરિચય તેમજ તેમની કામગીરીથી માહિતગાર કર્યા હતાં.
ત્યારબાદ તમામ તાલીમાર્થીઓને શાળાના પર્યાવરણથી માહિતગાર કરાવવામાં આવ્યા હતાં. જેમા શાળાનું મેદાન, લોબી, શાળા બાગ, શૌચાલયો તથા સેનીટેશન અને પીવાના પાણીની વ્યવસ્થા અંગે વિસ્તૃત જાણકારી તજજ્ઞશ્રી તમામ તાલીમાર્થીઓને આપી હતી. ત્યારબાદ બપોરે 12/30 કલાકે શાળાની તમામ વિદ્યાર્થીનીઓ માટે ભોજનનો વિરામ પડતા, તમામ તાલીમાર્થીઓએ મધ્યાહ્ન ભોજન લેતી તમામ બાળાઓની પણ મૂલાકાત લીધી હતી. જે દરમિયાન તેઓએ બાળાઓને તેમના સ્વાદ, ઋચી, પસંદ બાબતે પ્રશ્નો પણ કર્યા હતાં. તમામ તાલીમાર્થીઓએ પણ ભોજન ચાખ્યું હતું. અને ભોજનની ક્વોલીટી અંગે મધ્યાહ્ન ભોજનના સંચાલકશ્રી પ્રેમજીભાઇ રાબડીયા સાથે ચર્ચા કરી હતી.
ત્યારબાદ બપોરે 01/00 કલાકે દરેક તાલીમાર્થીઓને ભોજન માટે 1 કલાકનો વિશ્રામ આપવામાં આવ્યો હતો. ભોજનના વિશ્રામ બાદ બપોરે 01/30 કલાકે તમામ તાલીમાર્થીઓને શાળાના તમામ વર્ગખંડોની મૂલાકાત લેવરાવવામાં આવી હતી. તાલીમાર્થીઓ પ્રજ્ઞા અભીગમથી ખૂબજ પ્રભાવીત થયા હતાં. તેઓએ શાળામાં શિક્ષણકાર્ય કરાવતા શિક્ષકોની પણ મુલાકાત લીધી હતી. અને તેમને પડતી મુશ્કેલીઓ વિશે પણ જાણકારી પ્રાપ્ત કરી હતી. તેઓએ વિદ્યાર્થીઓને પણ તેના શિક્ષણ કાર્યથી તેઓ સંતુષ્ઠ છે કે કેમ તે જાણકારી મેળવવાની કોશીષ કરી હતી. શાળા શિક્ષણમાં ઉપયોગી એવી સ્વાધ્યાય પોથી, વિજ્ઞાન પ્રયોગ પોથી, નક્શાપોથી તથા પ્રોજેક્ટ વર્કનું પણ તેઓએ જાત નિરીક્ષણ કર્યું હતું, અંતે તેઓએ શાળાના શિક્ષણની ગુણવત્તા બાબતે પણ શાળાના આચાર્ય સાથે વિશદ ચર્ચા કરી હતી.
ત્યારબાદ તાલીમાર્થીઓને શાળાની કૉમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા તથા વાંચનાલયની પણ મૂલાકાત લેવરાવવામાં આવી હતી, અને તેના તમામ રેકર્ડથી તેઓને પરિચિત કરાવવામાં આવ્યા હતાં. તેઓને શાળા સમય દરમિયાન દૂરવર્તી શિક્ષણ અંગે પણ સમજ આપવામાં આવી હતી. તેઓને શાળામાં પ્રાપ્ય ટેલીવિઝન અને KU બેન્ડ ધરાવતી ડીશ એન્ટેના વીશે પણ માહીતી આપવામાં આવી હતી. ત્યારબાદ તમામ તાલીમાર્થીઓને ગત વર્ષે કરાવવામાં આવેલ શાળા રીપેરીંગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ વિશેષ જરૂરીયાત વાળા બાળકોના શિક્ષણ અંગે પણ કેટલીક મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી, સાથે સાથે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે પણ તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં. અંતે તમામ તાલીમાર્થીઓને SMCના તમામ નાણાકીય વ્યવહારોથી પરિચિત કરાવવામાં આવ્યા હતાં. તેઓને શાળાનું તમામ વહીવટી રેકોર્ડ બતાવવામાં આવ્યું હતું. તેઓને ગત વર્ષની કેટલી ગ્રાન્ટ બચત બાકી છે તથા ચાલુ વર્ષે કેટલી ગ્રાન્ટ મળી તે વિશે વિગતે માહિતી આપવામાં આવી અને તેમાંથી કેટલી ગ્રાન્ટનો ક્યા અને કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો તે પણ બતાવવામાં આવ્યું હતું. સમગ્ર પ્રક્રિયામાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ બપોરે 04/30 કલાકે તમામ તાલીમાર્થીઓને શાળાના કૉમ્પ્યુટર રૂમમાં બેસાડવામાં આવ્યા હતાં અને તેઓને આ તાલીમના હેતુઓથી પરિચીત કરવવામાં આવ્યા હતાં. સાંજે 05/00 કલાકે શાળા છુટતા તેઓને પણ રજા આપવામાં આવી હતીં. અને રાત્રી સેશન માટે શાળાએ હાજર રહેવા જણાવાયું હતું. તાલીમનો પ્રથમ દિન તા. 07/01/2013 (રાત્રી સેશન) આજરોજ તાલીમના પ્રથમ દિને રાત્રી સેશન રાત્રે 08/00 થી 09/30 કલાક દરમિયાન ગોઠવવામાં આવ્યું હતું. જેમા કેમ્પફાયર સળગાવવામાં આવેલો હતો, અને તમામ તાલીમાર્થીઓએ તેની આજુબાજુ ગોઠવાઇને ખુબજ આનંદમય વાતાવરણમાં રાત્રી સેશનની તાલીમ લીધી હતી. આ સેશનમાં પ્રથમ અડધી કલાક દરમિયાન બાળકોની લાંબી ગેરહાજરી અંગે તેના કારણો તથા બાળકોની લાંબી ગેરહાજરી નીવારવાના ઉપાયોની વિશદ ચર્ચા કરવામાં આવી, ત્યારબાદ બીજા અડધી કલાકમાં બાળકોમાં ડ્રોપ-આઉટ ના વધતા દરના કારણો તથા તેને નીવારવાના ઉપાયો વિશે વિશદ ચર્ચા કરવામાં આવી હતી. અંતે છેલ્લા અડધા કલાકમાં શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટે શાળાએ કરેલા આયોજન વિશે વિશદ ચર્ચા કરવામાં આવી હતી. અને અંતે રાત્રે 09/30 કલાકે તમામ તાલીમાર્થીઓ છુટા પડ્યા હતાં.
તાલીમનો બીજો દિન તા. 08/01/2013 તાલીમના બીજા દિવસે તમામ તાલીમાર્થીઓ સમયસર શાળાએ પહોંચી ગયા હતાં, અને તાલીમનો પ્રારંભ સવારે 11/00 કલાકે પ્રાર્થનાથી થયો હતો. 11/20 કલાકે પ્રાર્થના કાર્યક્રમ પૂર્ણ થતાં તજજ્ઞશ્રી, ગીરીશભાઇ જી. સતાસિયાએ ભારત સરકારના ક્રાંતિકારી કાયદા RTE – 2009 વિશે તમામ તાલીમાર્થીઓને સમજૂતિ આપી હતી. જેમાં તેઓએ RTE – 2009 અંતર્ગત જોગવાઇઓ તરફ તાલીમાર્થીઓનું ધ્યાન દોર્યું હતું. તથા SMCની રચના પણ RTE – 2009 અંતર્ગતજ કરવામાં આવી છે. તે બાબતે પણ સમજણ આપી હતી. ત્યારબાદ 12/00 કલાક થી 01/20 કલાકના સેશનમાં શાળાના આચાર્ય તથા SMCમાં સભ્ય સચિવ એવા શ્રી હિમાંશુભાઇ છાટબારે SMCની રચના વિશે સમજ આપી, તેમાં વાલીઓનું પ્રમાણ (જાતી, ધર્મ તથા લીંગના આધારે) RTE – 2009 અનુસાર કેટલું હોવુ જોઇએ અને તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે વિશે વિષદ સમજ આપી હતી, ત્યારબાદ SMCના કાર્યો તેમ SMCની ફરજો અંગે પણ તાલીમાર્થીઓને સુપેરે માહિતગાર કર્યા હતાં.
બપોરે 01/20 કલાકે તમામ તાલીમાર્થીઓને ભોજન માટે 25 મીનીટનો વિશ્રામ અપાયો હતો. બપોરે 01/45 કલાક થી 02/15 કલાકના સેશનમાં પંચાયતી રાજ સંસ્થાઓની ભૂમિકા તથા તેમની ફરજો વિશે વિશેષ સમજૂતિ તમામ તાલીમાર્થીઓને તજજ્ઞશ્રી દ્વારા આપવામાં આવી હતી. 02/15 થી 03/15ના સેશનમાં તમામ તાલીમાર્થીઓએ તથા શાળાના આચાર્ય તથા SMCમાં સભ્ય સચિવ એવા શ્રી હિમાંશુભાઇ છાટબારે તજજ્ઞશ્રી સાથે આગળના દિવસે કરેલા શાળાના દૈનિક કાર્યક્રમોના મોનિટરીંગના આધારે દૈનિક કાર્યક્રમોની સમિક્ષા કરી હતી. જેમાં SMCના સભ્ય તાલીમાર્થીઓ પાસેથી કેટલાક રચનાત્મક સુજાવો પ્રાપ્ત થયા હતાં અને શાળામાં લોકભાગીદારી વધે તેવા પ્રયત્નો પણ શરૂ થયા હતાં. શાળામાં શિક્ષણકાર્ય અને મધ્યાહ્મ ભોજન તેમજ બીન શૈક્ષણિક કાર્યક્રમોમાં ગુણવત્તામાં સુધાર થાય તે હેતુંથી પણ ચિંતન થયું હતું. 03/15 થી 04/00 કલાક ના સેશનમાં શાળા વિકાસ યોજના અંગે પણ ખાસી વિચારણા કરવામાં આવી હતી. અને શાળા વ્યવસ્થાપન સમિતિના તાલીમાર્થી સભ્યોને શાળા વિકાસ યોજનાની પરિકલ્પના સમજાવવામાં આવી હતી. અને તમામ તાલીમાર્થીઓ એકમત થઇને હવે પછી શાળા માટે એક અસરકારક શાળા વિકાસ યોજનાના નિર્માણ માટે સમય ફાળવવા તૈયાર થયા હતાં.
04/00 થી 05/15 કલાકના સેશનમાં SMCને સરકારશ્રી તરફથી તેમજ સર્વશિક્ષા અભિયાન તરફથી આપવામાં આવતી વિવિધ પ્રકારની ગ્રાન્ટો વિશે માહિતી આપવામાં આવી હતી. આ ગ્રાન્ટોનો કઇ રીતે અને ક્યા હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે તેની પણ માહિતી તમામ તાલીમાર્થીઓને આપવામાં આવી હતી. તમામ તાલીમાર્થીઓને શાળામાં ક્યા પ્રકારના હિસાબી અને નાણાકીય રેકોર્ડ નીભાવવામાં આવે છે અને કઇ રીતે નીભાવવામાં આવે છે તે પણ બતાવવામાં આવ્યું હતું. છેલ્લા સેશનમાં તમામ તાલીમાર્થીઓને બાયોમેટ્રિક એટેન્ડન્સ અને કૉમ્પ્યુટર એડેડ લર્નિંગ સિસ્ટમ (BACALS) વિશે પણ ટૂંકમાં માહીતી આપવામાં આવી હતી. છેલ્લે તમામ તાલીમાર્થીઓને તાલીમ વીશેના અભિપ્રાયો જણાવવા માટે કહેવામાં આવ્યુ ત્યારે તમામ તાલીમાર્થીઓએ પોતે આ તાલીમથી ઘણુ જ્ઞાન પ્રાપ્ત થયું હોવાનું અને પોતાને સમાજમાં રહીને બાળકોના હિત માટે અને સમાજના હિત માટે કાર્ય કરવાનો સુંદર મોકો મળ્યો હોવાનું પ્રતિત થયું હોય તેવું જણાવ્યું હતું.

No comments:

Post a Comment